રાજકોટ રામકથાઃ વ્યાસપીઠ અને વિદ્યાપીઠ વચ્ચેનો સેતુ
ગ્રામીણ શિક્ષણ અને આધુનિક શિક્ષણ પદ્ધતિના વિસ્તાર માટે વ્યાસપીઠ અને વિદ્યાપીઠ વચ્ચેના સેતુની સમજ
સૌરાષ્ટ્ર ટ્રસ્ટના 105 વર્ષ જૂના વર્તમાનપત્ર ફૂલછાબ દ્વારા તા. 9 થી 17 જાન્યુઆરી દરમિયાન રાજકોટમાં યોજાઈ રહેલી મોરારીબાપુની રામકથા ફક્ત ઐતિહાસિક જ નહીં પરંતુ પૂર્ણ રીતે ચૈતસિક, સામાજિક અને વૈશ્વિક બની રહેવાની છે. ભારત વર્ષના મહાકાવ્ય રામાયણને, તુલસીદાસજી રચિત રામચરિત માનસને વ્યાસપીઠ- રામકથાન માધ્યમથી વિશ્વના દેશો કે ખંડો જ નહીં નભ અને જળમાં પહોંચાડનાર કથાકાર શ્રી મોરારિબાપુ મૂલતઃ શિક્ષક છે, અને છેલ્લા સાડા છ દાયકાથી કથાના માધ્યમથી તેમણે લોકશિક્ષણનું વિરાટ અભિયાન ચલાવ્યું છે. સત્ય, પ્રેમ અને કરુણા શબ્દોને પોતાનો સ્વભાવ બનાવી, તે શબ્દોને ભાવમાં તબદીલ કરીને તેઓ કથા કહે છે. સ્વાનતઃ સુખાય તુલસી રઘુનાથ ગાથા એવું જેના માટે કહેવાયું છે તે રામકથાને બહુજન હિતાય, બહુજન સુખાય બાપુ ગાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રનું અગ્રીમ, 105 વર્ષ જૂનું વર્તમાનપત્ર ફૂલછાબ પત્રકારત્વની પરંપરા છે અને તે પણ આ જ દિશામાં, આ શૈલીથી વિશાળ સમુદાય માટે કામ કરે છે. આ ફૂલછાબ હવે જાન્યુઆરીમાં યોજી રહ્યું છે મોરારીબાપુની રામકથા અને તેનો હેતુ છે શિક્ષણ-કેળવણી માટેનો એક અક્ષયયજ્ઞ. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધે અને તેનુ ઊંડાણ પણ વધે, શિક્ષણનો પાયો અ પાયાનું શિક્ષણ મજબૂત બને, શિક્ષણના આધુનિક પ્રવાહ, નવી ટેક્નિક, નવી પદ્ધતિનો લ્હાવો વિદ્યાર્થીઓને મળે અને તેની તાલીમ મળે શિક્ષકોને. શિષ્યવૃત્તિ, પ્રોત્સાહક અન્ય બાબતો અને શિક્ષકોનું હિત તે બધું થઈ શકે તે માટે જન્મભૂમિ જૂથ- સૌરાષ્ટ્ર ટ્રસ્ટ વિરાટ યજ્ઞ શરુ કરશે, જેનો આરંભ આ કથાથી થશે. વિદ્યાવૃક્ષ તળે આ બધું આવી જાય તે હેતુથી આ કથા યોજાઈ રહી છે.
ગ્રામીણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં આધ્યાત્મિક જ્ઞાન સાથે શૈક્ષણિક સશક્તિકરણનું જોડાણ.

બાપુની રામકથા આમ પણ હવે વૈશ્વિક છે. સૈનિકો-શહિદોના પરિવારનો ઉત્કર્ષ હોય કે વૃદ્ધાશ્રમ અને વૃક્ષારોપણનો પ્રકલ્પ હોય કે પછી સાહિત્યિક કે શૈક્ષણિક સંસ્થાનું પુનરુત્થાન હોય, વ્યાસપીઠ વ્યાપપીઠ બનીને માધ્યમ રહી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટના આ પ્રકલ્પને પણ શ્રી મોરારિબાપુના આશીર્વાદ મળી રહ્યાં છે. કથામાં ઉપસ્થિત રહેવા માટે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રીઓને નિમંત્રણલ પાઠવવામાં આવી રહ્યાં છે. દેશભરમાંથી અગ્રણી ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, ઉચ્ચ શિક્ષાસંસ્થાનના ટોચના પ્રાધ્યાપકો, સંશોધકો, સૌરાષ્ટ્રના વિવિધ ધર્મસ્થાનો-જગ્યાઓના મહંતો- સંતો ઉપસ્થિત રહેશે. બાપુ પોતે પણ યુવાનોને પ્રેમ કરે છે. કથાનો હેતુ જ શિક્ષણનો ઉત્કર્ષ છે. સૌરાષ્ટ્રની અગ્રીમ શિક્ષણ સંસ્થાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહે તેવું આયોજન છે. શિક્ષણ-કારકિર્દી વિશેનો એક આંતરરાષ્ટ્રીય સ્તરનો પરિસંવાદ કથા પુર્વે યોજાશે અને તેમાં એક શ્વેતપત્ર તૈયાર કરીને બાપુની ઉપસ્થિતિમાં તે સરકારને અર્પણ કરવાની વિચારણા પણ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ કરી રહ્યું છે. કથામાં દરરોજ 50 હજારથી વધારે શ્રોતાઓ ઉપસ્થિત રહેવાનો અંદાજ છે, તેમના માટે સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની પરંપરા અનુસાર ભોજન-પ્રસાદની પણ વ્યવસ્થા હશે જ. કથા બપોરે સંપન્ન થશે, સાંજે લોકસાહિત્ય, સુગમ સંગીત, હાસ્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન છે. રાજકોટમાં યોજાઈ રહેલી રામકથાનો હેતુ વિદ્યા છે, વિદ્યાપીઠની વ્યવસ્થા છે અને તેનું માધ્યમ વ્યાસપીઠ છે માટે આ વ્યાસપીઠથી વિદ્યાપીઠ સુધીનો એક સેતુ બની રહેશે.